ફરી પાલક પિતા મહેશભાઈ સવાણી દ્વારા યોજાયો ‘માવતર’ લગ્નોત્સવ, 5000થી વધુ દિકરીઓના હાથોમાં મુકાશે મહેંદી
વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને ‘દીકરી જગત જનની’ 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ‘માવતર’ પણ જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે દરેક લોકો જાણે જ છે. આ બધા શિર્ષક પી.પી સવાણી દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. પી.પી સવાણીના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પણ ‘માવતાર’ દ્વારા 75 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. પછી ત્યારે આજરોજ મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા હિન્દી ગુજરાતી મહેંદી ગીતો ગુંજી રહ્યાં હતાં. પી. પી. સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ દ્વારા 24 અને 25 ડિસેમ્બરે આયોજિત માવતર લગ્નોત્સવના ભાગરૂપે 22મી ડિસેમ્બર એટલે કે શુક્રવારે મહેંદી રસમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
આગામી તારીખ 24 ડિસેમ્બરે પીપી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સર્વ મહેમાનોનું બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી મહેકી ઉઠ્યું હતું.
જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટો હરખ શું હોઈ શકે ! પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 75 દીકરીના પાલક પિતા મહેશ સવાણી દ્વારા લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકવામાં આવી હતી.
મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલાં પાડનારી 75 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે, દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે, પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે. જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે. દીકરીઓને વૈચારિક કરિયાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતણે બાંધી રાખે છે. ચાણક્ય કહેતા કે ‘ પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હૈ’ એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે.
વધુમાં મહેશભાઈ સવાણીએ કહ્યું કે, દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે. સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે. સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે એને મોહબ્બત અને માનવતાની માટીથી પુરજો. મહેંદીની મહેક જેવી ખુશી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવી મંગલ કામના..”