ગામડાના છોકરાના પ્રેમમાં પડી નેધરલેન્ડની સુંદરી, ભારત આવી ધૂમધામથી બંનેએ કર્યા લગ્ન
હાલમાં એક યુવતી સાત સમંદર પાર કરીને ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં તેના પ્રેમી પાસે આવી પહોંચી હતી. જાણવા મળ્યું છે કે, બુધવારે બંનેએ પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. વિદેશી યુવતી અને યુવકની આ લવસ્ટોરી સમગ્ર જિલ્લામાં દરેક વ્યક્તિના હોઠ પર ચર્ચાઈ રહી છે. જોકે, સ્થાનિક પોલીસને વિદેશી યુવતીના આવવાના સમાચાર મળતા જ પોલીસ યુવકના ઘરે આવી પહોંચી હતી અને અન્ય દસ્તાવેજો સાથે યુવતીનો પાસપોર્ટ પણ ચેક કરવામાં આવ્યો હતો.
લાલૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના દતૌલી ગામમાં રહેતા રાધેલાલ વર્મા ચાર દાયકાથી ગુજરાતના ગાંધીનગર શહેરમાં રહે છે. તેઓ ત્યાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા. તેમને બે પુત્રો નિશાંત વર્મા અને હાર્દિક વર્મા છે. હાર્દિક લગભગ 8 વર્ષથી નેધરલેન્ડની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે પોસ્ટેડ છે.
જાણવા મળ્યું છે કે, લગભગ 3 વર્ષ પહેલા હાર્દિકની મુલાકાત નેધરલેન્ડના બાર્નવેલ્ડ શહેરના રહેવાસી માર્સીન ડુડાની 20 વર્ષની પુત્રી ગેબ્રિએલા ડુડા સાથે થઈ હતી. જે આ જ કંપનીમાં કામ કરતી હતી. આ દરમિયાન ધીમે ધીમે તેમની નિકટતા વધતી ગઈ અને તેઓ લગભગ બે વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે હાર્દિક અને ગેબ્રિએલાએ તેમના પરિવારને આ અંગે વાત કરી તો પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.
ત્યારબાદ લગભગ 15 દિવસ પહેલા હાર્દિક અને તેની વિદેશી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ભારત આવ્યા હતા. બાદમાં હાર્દિક તેને ગાંધીનગર સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. બંનેની સગાઈ અહીં હાર્દિકના પરિવારની હાજરીમાં જ થઈ હતી. ત્યારબાદ 25 નવેમ્બરના રોજ પરિવાર હાર્દિક અને ગેબ્રિએલાને પોતાની સાથે લાલૌલી પોલીસ સ્ટેશનના દતૌલી લઈ ગયો હતો. બુધવારે ગામમાં જ લગ્નની વિધિઓ પૂર્ણ કર્યા પછી હાર્દિક અને ગેબ્રિએલાના લગ્ન થયા.
બીજી બાજુ પોલીસ સ્ટેશનના વડા સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, વિદેશી યુવતી અને યુવકના લગ્નની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બંનેના પાસપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તપાસ્યા હતા. ત્યારબાદ બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.