રાત પડતાં જ ચોટીલા ડુંગર ખાલી કેમ કરી દેવામાં આવે છે ? લોકો ત્યાં કેમ રોકાઈ શકતા નથી ? – જાણો આ મંદિર નું ચોંકાવનારું રહસ્ય
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ તમે ગયા જ હશો. અહીં 64 જોગાણી માના એક અવતાર એવા ચામુંડા માં બિરાજમાન છે. 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડા માં હિન્દુ ના કુળદેવી પણ છે. પૂનમના દિવસે અહીંયા પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. આખા ગુજરાતમાં દૂર દૂરથી લોકો માતાના દર્શન કરવા માટે ચોટીલા આવે છે. આ ડુંગર પર અંદાજિત 1000 જેટલા પગથિયાં ચઢીને દર્શન કરવા જવું પડે છે. આજે આપણે આ ચોટીલા મંદિરની કેટલીક રહસ્યમય વાતો જાણીશું.

ચામુંડા નામ કેવી રીતે પડ્યું શું તમને ખબર છે?
હજારો વર્ષો પહેલા પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસો એ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી અને રાક્ષસો ઋષિમુનિઓને પણ ખૂબ ત્રાસ આપવા લાગ્યા હતા. એક દિવસ બધા ઋષિમુનિઓ ભેગા થઈને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કરી દીધું. યજ્ઞ કરીને માતાજી પ્રસન્ન થયા અને કુંડમાંથી એક ચમત્કારીક રીતે શક્તિ પ્રગટ થઈ. આ શક્તિએ જ્યારથી બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં ઘણા ફરવા લાયક સ્થળો માંથી ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે ચામુંડા એ તાંત્રિક ની દેવી પણ છે. જો કોઈ તમારી મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ લોકોનો નાશ થઈ જાય છે. એવી માન્યતા પણ છે જો કોઈ સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે. આ મંદિરના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. દર્શન કરવા આવેલા ભક્તોની ચામુંડા માતાજી બધી જ મનોકામના પૂરી કરે છે. ઘણા લોકો આ મંદિરે પગપાળા દર્શન કરવા માટે આવે છે.

આ ડુંગર પર સાંજની આરતી પછી કેમ કોઈ રોકાતું નથી?
ચોટીલા ડુંગર પર રોજના હજારો લોકો દર્શન કરવા આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર ઉપર ભક્તોની લાઈન થતી હોય છે. પરંતુ સાંજની આરતી જેવી પૂરી થાય ને તરત જ લોકો ડુંગર ઉપરથી નીચે ઉતરી જાય છે. ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. સાંજે માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈપણ મનુષ્ય અહીં ફરકતો નથી. આ રાઝ પાછળનું કારણ લોકો માને છે કે સાંજે કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને માતાની રક્ષા કરે છે.

લોકો એવું પણ કહે છે કે રાત્રે ડુંગર પર સિંહ જોવા મળે છે. માત્રા નવરાત્રીના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ લોકો આ ડુંગર પર રહી શકે છે. ચામુંડા માં ની સિંહ સવારી પણ છે. તલવાર જેવા શસ્ત્રો પણ છે. આ ચામુંડા મા નો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું માનવામાં આવે છે.
ચોટીલા ડુંગર ટ્રસ્ટ અમૃતગીરી દોલતગીરી ગોસાઈએ જણાવ્યું કે ડુંગર પર જો રાત્રે કોઈ રોકાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ અમે શક્ય કરતા નથી. એટલું જ નહીં અમે પણ અહીં રાત્રે રોકાતા નથી.